ચાલો, ચરણ ઉપાડો!
સુરેશ દલાલ
સુરેશ દલાલ દ્વારા રચિત કવિતા "ચાલો, ચરણ ઉપાડો!" અહીં આપેલી છે:
ચાલો, ચરણ ઉપાડો!
કવિ: સુરેશ દલાલ
ભીડેલાં સૌ દ્વાર ઉઘાડો,
બંધુ! ચાલો, ચરણ ઉપાડો!
ભૂલી જઈને ભેદ આપણે એક થઈને ચાલો;
નેક થઈને ચાલો, વાયુનો વેગ લઈને ચાલો;
છોડી દઈને રંગરાગને, ભેખ લઈને ચાલો!
હિમાચલના સમી અવિચલ ટેક લઈને ચાલો!
અમનચમનનાં સમણાં કેરો સ્હેજે નહીં ફૂંફાડો!
બંધુ! ચાલો, ચરણ ઉપાડો!
અહીં ઊભા તો મોત: જશું તો જીવન જયજયકાર;
કોઈ રીતે પણ ત્યહીં પહોંચવું, પળપળનો પોકાર;
તનમનધનથી હે જનગણ! બસ, જવું એ જ નિર્ધાર.
ચાલો, ઝઝૂમો લઈ કંઠમાં વાઘ-સિંહની ત્રાડો!
બંધુ! ચાલો, ચરણ ઉપાડો!
શબ્દાર્થ
ચરણ - પગ
ભેખ -દીક્ષા લઈ સંન્યાસીનો વેશ ધારણ કરવો એ, સંન્યાસની દીક્ષા, વૈરાગ્ય,વિરક્ત કે સંન્યાસી થયેલ સાધુ
વાયુ - પવન
વેગ – ઝડપ
હિમાચલ - હિમાલય પર્વત
અમનચમન - મોજ મજા
સમણું - સપનું
જનગણ લોકોનો સમૂહ
કંઠ - ગળું
અવિચલ - વિચલિત થયા વગર
નિર્ધાર નિશ્ચય, ઠરાવ,મનની દૃઢતા
નેક - ન્યાયી, પ્રામાણિક
.png)
No comments:
Post a Comment